amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

activites Amrutkamal   સજીવ ખેતીમાં રોગ નિયંત્રણ

ખેતી ક્ષેત્રે અનેકવિઘ સંશોધનો થવાથી અન્ન ઉત્પાદનમાં આપણે સ્વનિર્ભરતા હાંસલ કરી શક્યા છીએ. પરંતુ આપણે એ વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે દેશના કેટલાય ભાગોમાં હજુ પણ લોકો કુપોષણથી પીડાઇ રહ્યા છે. જેથી કૃષિ ક્ષેત્રે સંકળાયેલ વૈજ્ઞાનિકો દ્વારા આગામી વર્ષોમાં દેશ તથા રાજયના નાગરિકોને પોષણયુકત આહાર ઉપલબ્ધ કરાવી પોષણની સલામતિ ઉપર ભાર મુકવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ સજીવ ખેતીનું મહત્વ વધવા લાગ્યુ છે. આંતરરાષ્ટીય બજારમાં પણ સજીવ ખેત ઉત્પાદનોની માંગ વધુ હોવાથી વધારે ને વધારે ખેડુતો સજીવ ખેતીનો અભિગમ સમજતા થયા છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં મોટો વિસ્તાર શુષ્ક અને અર્ધશુષ્ક છે તે વિસ્તારોમાં રસાયણોનો વપરાશ ઓછો થતો હોવાથી આ વિસ્તારોમાં સજીવ ખેતીની વિપુલ તકો રહેલી છે. છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન ફળો, શાકભાજી, પ્રક્રિયા કરેલ ફળો તથા શાકભાજીની બનાવટો, ડેરી પેદાશો વગેરેની પણ વધુ ને વધુ નિકાસ થઇ શકે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. આમ, આપણે જયારે નિકાસ દ્વારા વિકાસના સિધ્ધાંતને મુર્તિમંત કરવાની દિશામાં આગળ વધી રહ્યા હોઇએ ત્યારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન હોવુ જરૂરી છે. જે માટે સજીવ ખેત ઉત્પાદન ઉત્તમ વિકલ્પ છે.

કૃષિ ક્ષેત્રે થતા રસાયણોના બીનવિવેકપુર્ણ ઉપયોગને લીધે ધણાં ગંભીર પ્રશ્નો ઉદભવ્યા છે. વળી, ખેત પેદાશોમાં જંતુનાશક દવાઓના અવશેષો ભલામણમાત્રા કરતાં વધી જવાથી આવા ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી શકતા નથી. આ તમામ સંજોગો ધ્યાને લેતાં સજીવ ખેતીનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. સજીવ ખેતીના ધટકો જેવા કે રોગ/જીવાત પ્રતિકારક જાતની પસંદગી, જૈવિક ખાતરો/લીલો પડવાશ/સેન્દ્રીય ખાતરો/ વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ, આંતર/ મિશ્ર પાક પધધતિ, પાકની ફેરબદલી, પાક સંરક્ષણ માટે જૈવિક નિયંત્રકોનો તથા વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ વગેરેને સમજી તેનો વ્યવહારૂ ઉપયોગ કરવામાં આવે તો સજીવ ખેતી ચોક્કસ ફાયદાકારક બની શકે છે.

સજીવ ખેતીમાં કુદરતી સંશોધનોનો ઉપયોગ કરવામાં આવતો હોઇ જમીન સજીવ બને છે. તેમ જ જમીનમાં સેન્દ્રીય તત્વોનુ પ્રમાણ પુરતુ રહેવાથી છોડને જરૂરી બધા જ પોષક તત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે. વળી જૈવ વિવિધતા વધતાં કુદરતી રીતે ઉપયોગી હોય તેવી ફુગ, જીવાણુ, કૃમિ વગરેની વૃધ્ધિ થવાથી જમીનની ફળદ્રુપતા વધવા ઉપરાંત છોડને રોગ તથા જીવાત સામે ટકી શકવા સક્ષમ બનાવે છે. કોઇ પણ રોગ તથા જીવાત સામાન્ય રીતે નબળા છોડ પર આક્રમણ કરતા હોઇ અને સજીવ ખેતીમાં છોડની રોગ પ્રતિકારક તથા ટકાઉ શક્તિ વધારે હોઇ રોગોના સંભવિત આક્રમણને ખાળી શકાય છે. તેમ છતાં, સજીવ ખેતી કરતા હોઇઅ ત્યારે રોગની અટકાયત તેનાં નિયંત્રણ કરતા વધુ સારી એ સિધ્ધાંતને ધ્યાનમાં રાખા રોગ વ્યવસ્થાપન માટે નીચે મુજબના મુદા ધ્યાને લેવાથી પાકની ઉત્પાદકતા જળવાઇ રહે છે.

સજીવ ખેતી માટે રોગ અટકાયતની પધ્ધતિઓ
• રોગ પ્રેરક અને પાક એકબીજાના સંપર્કમાં આવે નહી તેની કાળજી લેવી.
• સેન્દ્રીય ખાતરનો વ્યાપક ઉપયોગ કરવો
• બીજ માવજત અપનાવવી
• જૈવિક ફુગનાશકોનો ઉપયોગ કરવો
• રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો

રોગ પ્રેરક અને પાક એકબીજાના સંપર્કમાં આવે નહી તે માટે
૧. રોગમુકત બિયારણની પસંદગી
મોટા ભાગના રોગો માટે જો બિયારણ રોગ પ્રેરકમુક્ત હોય તો જે તે પાકની શરૂઆતની અવસ્થાએ જ આપણે પાકને રોગથી બચાવી તંદુરસ્ત છોડ ઉછેરી શકીએ છીએ. ખાસ કરીને બાગાયતી પાકો અથવા જે પાકોનું પ્રસર્જન વાનસ્પતિક પધ્ધતિથી કરવામાં આવે છે તેવા પાકો માટે ખાસ કાળજી લેવી અનિવાર્ય છે. મોટા ભાગના વિષાણુથી થતા રોગો તેમ જ કૃમિ, કેટલીક ફુગ તથા જીવાણુઓનો ફેલાવો બીજ મારફતે થતો હોય છે. આ સંજોગોમાં રોગ મુકત બિયારણની પસંદગી ફાયદાકારક સાબિત થાય છે. દા.ત. બટાટાના વિષાણુજન્ય રોગો.

૨. વાવણી કે રોપણીનો સમય
કેટલાક રોગો એવા છે કે જેમાં યજમાન પાકની ચોક્કસ અવસ્થા તથા રોગ પ્રેરક માટે અનુકુળ હવામાન ભેગા થાય તો એ રોગ થકી થતુ નુકસાન ઘણુ વધી જતુ હોય છે. આ સંજોગોમાં વાવણી સમયની પસંદગી એવી રીતે કરવી જોઇએ કે જેથી રોગ પ્રેરક માટે હવામાન અનુકુળ હોય ત્યારે પાકની જે તે અવસ્થા પસાર થઇ ગયેલ હોય. જે માટેના કેટલાક ઉદાહરણ નીચે પ્રસ્તુત છે.

• ચોમાસામાં બાજરીનું વાવેતર વરસાદ બાદ તરત જ કરવાથી કુતુલ, અરગટ તથા અંગારીયાનો ઉપદ્રવ ઓછો થાય છે.
• ગુવારનું વાવેતર ૭ થી ૧૪ જુલાઇ દરમ્યાન કરવાથી દરમ્યાન કરવાથી ભુકી છારાના રોગથી બચી શકાય.
• રાઇનું વાવેતર ઓકટોબરના બીજા અઠવાડિયામાં કરવાથી ભુકી છારાના રોગથી બચી શકાય.


૩. બી જરૂર જેટલી ઉંડાઇ એ જ વાવવા
વધુ ઉંડાઇે વાવેલા બી માં કહોવારો લાગવાની શકયતા વધારે રહે છે. બટાટાનો કટકાનો કહોવારો.

૪. બે છોડ વચ્ચે માફકસરનુ અંતર
ધરૂવાડીયામાં ઘાટુ ઉગેલુ ધરૂ વહેલુ કોહવાય છે. તેવીરીતે એકમ વિસ્તારમાં છોડની સંખ્યા વધુ હોય તો જીરાના પાકમાં કાળીયાના રોગનો ફેલાવો ઝડપથી થાય છે.

૫. પાકની ફેરબદલી કરવી (જમીનજન્ય રોગ માટે)
રોગ પ્રેરકનો યજમાન પાક ન હોય તેવા પાકથી પાકની ફેરબદલી કરવી જોઈએ જેથી જે તે રોગપ્રેરકને યોગ્ય યજમાન પાક ન મળતાં તેની સંખ્યા ઘટે છે તથા જીવન ચક્ર રોકી શકાય છે. દા.ત. દિવેલાનો સુકારો અટકાવવા ત્રણ થી ચાર વર્ષ સુધીની પાક ફેરબદલી કરવી. કૃમિથી થતા રોગોને નિવારવા ધાન્ય પાકો સાથે પાકની ફેરબદલી કરવી. વાકુંબા તથા અમરવેલ જેવી પરજીવી વનસ્પતિ માટે યજમાન ન હોય તેવા પાકની પસંદગી કરી લાંબા ગાળાની પાક ફેરબદલી કરવી.

૬. જમીનની ભૌતિક રચના
જમીનની ભૌતિક રચના સુધારવા માટેના પ્રયત્નો કરવા તથા પાણી ભરાઈ ન રહે તે માટેના ઉપયો કરવા જેથી ધરૂવાડીયામાં ધરૂનો કહોવારો, પપૈયામાં થડનો કહોવારો, લીંબુમાં ગુંદરીયાનો રોગ જેવા રોગોને નિવારી શકાય.

૭. રોગીષ્ટ છોડનો નાશ
જમીન જન્ય રોગો માટેની પ્રેરક ફૂગ જ્યાં સુધી જમીનમાં યજમાન પાકના અવશેષો હયાત હોય ત્યાં સુધી સક્રીય રહેતી હોય છે જેથી રોગીષ્ટ અવશેષોનો નાશ કરવાથી બીજી ઋતુ તે પાક માટે રોગ પ્રેરકની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. તેવી જ રીતે બાગાયતી પાકોમાં રોગીષ્ટ ડાળીઓ કાપી તેનો નાશ કરવાથી રોગોનો વધુ ફેલાવો અટકાવી શકાય છે. વિષાણુજન્ય રોગોનો વધુ ફેલાવો અટકાવવા છુટાછવાયા રોગીષ્ટ છોડ દેખાય તો તુરંત જ તેને ઉખેડી તેનો નાશ કરવો જેથી બીજા તંદુરસ્ત છોડ પર તેનો વધુ ફેલાવો અટકાવી શકાય છે.

૮. જમીનનુ દધૂમીકરણ (સોઈલ સોલરાઈઝેશન)
જે જમીનમાં ધરૂવાડીયું બનાવવાનું હોય તે જમીનમાં ઉનાળામાં ઉંડી ખેડ કરી જમીન તપવા દેવી જેથી જમીનમાં રહેલ રોગ પ્રેરક ગરમીને લીધે નાશ પામે અથવા નિષ્કિય થઈ જાય. ત્યારબાદ હળવુ પિયત આપી ૧૫ દિવસ સુધી ૧૦૦ ગેજની પ્લાસ્ટીકની સીટથી ઢાંકી દઈ સોઈલ સોલરાઈઝેશન કરવુ જેથી તેટલા વિસ્તારની જમીનમાં રહેલ રોગ પ્રેરક કૃમિ તથા ફૂગનુ અસરકારક નિયંત્રણ મળે છે.

૯. મિશ્ર / આંતર / પિંજર પાક પધ્ધતિ
મિશ્ર પાક પધ્ધતિ અપનાવવાથી મુખ્ય પાકમાં રોગની શક્યતાને ઘટાડી શકાય છે. કારણ કે મિશ્ર પાકમાં પાકની પસંદગી એ રીતે કરવામાં આવે છે કે જેથી બન્ને પાકના રોગ પ્રેરકોની જરૂરીયાત ભિન્ન હોય જેથી એક પાકમાં રોગનુ પ્રમાણ વધી જાય તો પણ બીજા પાકનુ ઉત્પાદન મળી શકે છે. મિશ્ર પાક પધ્ધતિથી અપનાવવાથી રોગનો વધુ ફેલાવો પણ અટકાવી શકાય છે. જમીનમાં રોગ પ્રેરક ફુગ વિવિધ સ્વરૂપે નિષ્ક્રિય અવસ્થામાં પડી રહેતી હોય છે અને જયારે તેને યોગ્ય યજમાન પાક મળે ત્યારે આ ફુગ સક્રિય બની રોગ પેદા કરે છે. પરંતુ મિશ્ર પાક પધ્ધતિ અપનાવવાથી આ શકયતાઓને નિવારી શકાય છે.

આંતરપાક પધ્ધતિ અપનાવવાથી મુખ્ય પાકની રોગ પ્રેરક ફુગને અનુકુળ હવામાન નહિ મળતા તેની વૃધ્ધિ પર માઠી અસર પહોંચે છે. જેથી રોગનો ઉપદ્રવ તેમ જ વધુ ફેલાવો અટકાવી શકાય છે.

પિંજરપાક પધ્ધતિમાં મુખ્ય યજમાન પાકની ફરતે પિંજરપાકની વાવણી કરવામાં આવે છે. જેથી જે તે રોગ પ્રેરક મુખ્ય પાકને નુકસાન કરવાને બદલે પ્રથમ પિંજર પાક તરફ આર્કષાય છે અને મુખ્ય પાકને બચાવી શકાય છે. જે માટેના કેટલાક ઉદાહરણ નીચે પ્રસ્તુત છે.

• તુવેરની સાથે જુવારની મિશ્ર પાક તરીકે પસંદગી કરવાથી જુવારના મુળમાંથી HCN નામનુ ઝેરી રસાયણ છુટુ પડે છે જે તુવેરના સુકારા માટે જવાબદાર પ્રેરક ફુગની વૃધ્ધિ અટકાવે છે પરિણામે સુકારાના રોગનુ નિયંત્રણ મળે છે.
• કપાસના પાકમાં મઠને આંતરપાક તરીકે લેવાથી કપાસના મુળખાઇના રોગ માટે જવાબદાર જમીનજન્ય ફુગને વૃધ્ધિ માટે અનુકુળ વાતાવરણ નહિ મળતા રોગને આવતો અટકાવી શકાય છે.
• ગંઠવા કૃમિનો ઉપદ્રવ ટાળવા મુખ્ય પાકની ફરતે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવું જોઇએ.

સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ
સજીવ ખેતીમાં સેન્દ્રીય ખાતરોનો વપરાશ પાયાની જરૂરિયાત છે. સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ કરવાથી જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો થાય છે તેમ જ જમીનનો કાર્બનઃ નાઇટ્રોજનનો રેશિયો જળવાઇ રહેવાથી જમીનમાં જૈવિક પ્રક્રિયાઓ વધે છે. આમ થવાથી જમીનમાં રહેલ હાનિકારક સુક્ષમ જીવાણુઓનો નાશ થાય છે તથા કુદરતી જૈવિક નિયંત્રકોની વૃધ્ધિ થાય છે જેથી જમીન જન્ય રોગોનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. જેમ કે ,

• મગફળીના વાવેતર અગાઉ ૮ થી ૧૦ દિવસ પહેલાં દિવેલીની ખોળ ૧૦૦૦ કિ.ગ્રા./હે. આપવાથી ગંઠવા કૃમિનો ઉપદ્રવ નિવારી શકાય છે.
• ચોમાસુ ચોળીના વાવેતર પહેલા ૬૬૦ કિ.ગ્રા./હે મુજબ મરધાનુ ખાતર આપવાથી ગંઠવા કૃમિ અટકાવી શકાય છે.
• લીલો પડવાશ કરવાથી જમીનમાં જૈવિક નિયંત્રક ફુડ (ટ્રાઇકોડર્મા) તથા જીવાણુ (બેસીલસ અને સ્યુડોમોનોસ) વગેરેની વૃધ્ધિ થવાથી જમીન જન્ય રોગોની માત્રા ઘટાડી શકાય છે.

બીજ માવજત
• ઉગતા બીજને જમીનમાંના તથા બીજ સાથે આવેલા રોગ પ્રેરકો સામે રક્ષણ મળે છે પરિણામે એકસરખો ઉગાવો મળે.
• શરૂઆતથી જ છોડ તંદુરસ્ત મળે તેમ જ એકમ વિસ્તારમાં છોડની સંખ્યા જળવાઇ રહે જેથી વધુ ઉત્પાદન.
• બીજ મારફતે દાખલ થતા નવા રોગોને આવતા અટકાવી શકાય.
• રોગની ઉગ્રતા, શકયતા તથા પ્રમાણને ઘટાડી શકાય.
• બીજ માવજત તરીકે જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાઇકોડર્મા, બેસીલેસ, સ્યુડોમોનાસ વગેરેનો ઉપયોગ કરી શકાય.

વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ
કેટલીક વનસ્પતિઓમાં રહેલ તત્વોની અસરકારકતા તપાસતા તેની રોગ નિયંત્રણમાં ઉપયોગની શક્યતો વધી છે. જે પૈકી લીમડાના વિવિધ ભાગો તથા તેની બનાવટોનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. લીમડામાં રહેલ ક્રિયાશીલ એઝાડીરેકટીન તત્વ વિવિધ રોગો સામે અસરકારક રક્ષણ પુરૂ પાડે છે.

• લીમડાનો ખોળનો ૨૫ કિ.ગ્રા./હે મુજબ ઉપયોગ કરવાથી તેનુ જમીનમાં વિઘટન થતાં કેટલાક ખાસ પ્રકારના તત્વો છુટા પડે છે જે પાકમાં રોગ પ્રેરકની વૃધ્ધિ અટકાવે છે.
• લીંબોળીના તેલનો બીજ માવજત તરીકે ઉપયોગ કરવાથી પાકને શરૂઆતની અવસ્થાએ બીજના કહોવારા રક્ષણ મળે છે. જેથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા જળવાઇ રહે છે.
• ઉભા પાકમાં લીંબોળીના તેલ/લીંબોળીની મીંજનું દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી પાનના ટપકાના રોગોને આગળ વધતા અટકાવી શકાય છે.
• લીંબોળીનું તેલ તથા લીંબોળીના મીંજનું દ્રાવણ ચુસીયા જીવાતો સામે રક્ષણ આપતા હોઇ વિષાણુથી થતા રોગોને વધુ ફેલાવતા અટકાવી શકાય છે.
• વનસ્પતિજન્ય દવાઓનો રોગ નિયંત્રણમાં ઉપયોગ કરવાના કેટલાક ખેડુતોના સ્વનુભવો નીચે પ્રસ્તુત છે.
- ભૂકીછારા રોગના નિયંત્રણ માટે પીલુડી (વગદો) ના ૩ કિ.ગ્રા. પાન લઇ ૨૦ લીટર પાણીમાં ૫ લીટર દ્રાવણ રહે ત્યાં સુધી ઉકાળી તૈયાર થયેલ દ્રાવણમાંથી ૩૦૦મીલી/૧૫લીટર પાણી મુજબ છાંટવું
- જીરૂમાં કાળીયાના રોગ માટે ધતુરાના ૩ કિ.ગ્રા.પાન લઇ ૨૦ લીટર પાણીમાં ૫ લીટર દ્રાવણ રહે ત્યાં સુધી ઉકાળી તૈયાર થયેલ દ્રાવણમાંથી ૧૫૦-૨૦૦ મીલી/૧૦ લીટર પાણી મુજબ છાંટવું.
- દિવેલામાં સૂકારાના રોગ માટે ૨૦ મીલી થોરનું દુધ ૫૦૦ મીલી પાણીમાં લઇ બીજને ૨૪ કલાક બોળી રાખ્યા બાદ વાવેતર કરવું.

જૈવિક રોગ નિયંત્રણ
જીવો જીવસ્ય ભોજનમ્ના સિધ્ધાંત મુજબ પર્યાવરણની સમતુલાને ખલેલ પહોચાડયા સિવાય પાકમાં રોગ કરતા સુક્ષમ જીવાણુ/ફુગની જૈવિક નિયંત્રકો થકી નિયંત્રણ કરવું એટલે જૈવિક રોગ નિયંત્રણ.

જૈવિક રોગ નિયંત્રકો નીચે મુજબ રોગ પ્રેરકોનો નાશ કરે છે અછવા વૃધ્ધિ અટકાવે છે.
• બાહય તથા આંતરીક ઝેરી પદાર્થ પેદા કરીને
• રોગ પ્રેરકોની આજુ બાજુ ઝડપથી વૃધ્ધિ પામીને
• ખોરાકમાં ભાગ પડાવીને
• જુદાજુદા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરીને જે નુકસાનકારક ફુગનો નાશ કરે.

જૈવિક રોગ નિયંત્રણ અંગેના કેટલાક ઉદાહરણઃ
• તુવેરના પાકમાં સુકારાના રોગની અટકાયત માટે ૧ કિ.ગ્રા./૧૨ કિ.ગ્રા. બીજ મુજબ ટ્રાઇકોડર્મા વીરીડીની માવજત આપવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
• મગફળીમાં આવતા થડના કોહવારા માટે ટ્રાઇકોડર્મા હરજીયાનમની બીજ માવજત ૧૦ ગ્રામ/કિલો બીજ મુજબ આપવી.
• ટ્રાઇકોડર્મા હરજીયાનમ ૧.૫ કિલો ગળતીયા દિવેલીના ખોળમાં મિશ્ર કરી જમીનમાં ભેજ હોય ત્યારે આપવાથી મગફળીના થડના કહોવારાનું અસરકારક નિયંત્રણ મળે છે.
• મગફળીના પાકમાં ઉગસૂકરોગના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા.બીજને સ્યુડોમોનાસ ફલુરોસન્સ ૫ ગ્રામ પ્રમાણે માવજત આપવી.
• ધરૂવાડીયામાં ટ્રાઇકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાઇકોડર્મા વીરીડીને ઘઉંના ભુસામાં મિશ્ર કરી જમીનમાં ઉમેરવાથી ધરૂનો કોહવારો અટકાવી શકાય છે.
• કાપસના બીજને ટ્રાઇકોડર્મા હરજીયાનમ માવજત આપવાથી સુકારો તથા કોહવારાના રોગ સામે કંઇક અંશે રક્ષણ મેળવી શકાય છે.
આમ, ઉપર જણાવ્યા મુજબ ના ઉપાયો હાથ ધરવાથી સજીવ ખેતીમાં રોગને આવતા અટકાવી શકાય છે. તેમ જ કુદરતી સંતુલનને ખલેલ પહોંચાડીયા સિવાય રોગ નિયંત્રણ કરી શકાય છે.

ખેતી પાકોમાં રોગોના જૈવિક રોગ નિયંત્રણ સંબંધી ભલામણોઃ-
૧. તુવેરના ૧૨ કિલો બિયારણને ૧ કિ.ગ્રા, ટ્રાઇકોડર્મા હરજીનીએનમ અથવા ટ્રાઇકોડર્મા વીરીડીની માવજત આપી વાવવાથી સુકારાના રોગનું નિયંત્રણ થાય છે.
૨. શેરડીના વાવેતર પહેલાં સારી રીતે કહોવાયેલ પ્રેસમડમાં ઉગાડેલ ટ્રાઇકોડર્મા હરજીએનમ અથવા ટ્રાઇકોડર્મા વીરીડી ૮ ટન/હેકટર પ્રમાણે આપવાથી સુકારા અને રાતડાના રોગનું નિયંત્રણ થાય છે.
૩. મગફળીના ઉગસૂક (કોલરરોટ) અને થડના સડાના નિયંત્રણ માટે મગફળી વાવતા પહેલાં ટ્રાઇકોડર્મા હરજીએનમ ૧.૨ કિ.ગ્રા./હે. ગળતિયા ખાતર અથવા એરંડીના ખોળમાં મિશ્રણ કરી જમીનમાં ભેજ હોય ત્યારે આપવું તથા ૧ કિ.ગ્રા. બીજને સ્યુડોમોનોસ ૫ગ્રામ અને થાયરમ ૩ગ્રામ પ્રમાણે માવજત આપી વાવણી કરવી.
૪. દિવેલાના મૂળ ખાઇ અને સુકારો રોગના નિયંત્રણ માટે ૫૦૦ કિ.ગ્રા. લીમડાના અથવા રાયડાના ખોળમાં ૫ કિ.ગ્રા. ટ્રાઇકોડર્મા હરજીએનમ પાઉડર ભેળવી વાવણી વખતે આપવું.
૫. મગફળીના થડ અને ડોડવાના રોગના નિયંત્રણ માટે ભૂકા સ્વરૂપે મળતું ટ્રાઇકોડર્મા હરજીએનમ ૧.૫ કિ.ગ્રા. (૧૦૬ જીવંત કોષ/ગ્રામ) ૩૦૦ કિ.ગ્રા. એરંડીના ખોળ કે સારા કહોવાયેલા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી પહેલા ચાસમાં આપવું.
૬. મધ્ય ગુજરાતના કપાસ ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે કપાસના પાકમાં ગંઠવા કૃમિના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે પ્રતિ પાંચ કિલો બિયારણ દીઠ ગ્લુકોનાએસીટો બેકટર ડાયઝોટ્રોફીકસ સ્ટ્રેઇન ૩૫.૪૭ (૧૦૯ કનીડીયા/ગ્રામ)ની માવજત આપવી.
૭. મધ્ય ગુજરાત વિસ્તારમાં રીંગણના પાકમાં ગંઠવા કૃમિના નિયંત્રણ કરવા માટે ફેરરોપણી વખતે પ્રતિ હેકટરે ૨૫ કિલો પેસીલોમાઇસીસ લીલાસીનસ ફૂગ આધારિત જૈવિક ભૂકારૂપ કૃમિનાશક (૧૦૯ કનીડીયા/ગ્રામ) + ૧૦ ટન મરધા-બતકાની હંગારનું ખાતર અથવા ૨ ટન રાયડાનો ખોળ (ફેરરોપણી પહેલાં એક અઠવાડિયે) અથવા ફેરરોપણી વખતે પ્રતિ હેકટરે ૨૫ કિલો પેસીલોમાઇસીસ લીલાસીનસ ભૂકારૂપ કૃમિનાશક +૨ ટન લીમડાનો ખોળ (ફેરરોપણી પહેલાં એક અઠવાડિયે)ની માવજત આપવી.
૮. દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખરીફ ઋુતુમાં ડુંગળી ઉગાડતા ખેડુતોને વધુમાં વધુ તંદુરસ્ત (ધરૂ) મેળવવા માટે ડૂંગળીના બીજને ટ્રાઇકોડર્મા હરજીએનમ (પ ગ્રામ / કીલો બીજ)ની માવજત આપવા અને વાવણીના ૧૦ દિવસ બાદ આ જૈવિક ફૂગનાશકની ૦.૫ ટકા પ્રમાણેના દ્રા'ણની ભલામણ કરવામાં આવે છે.
૯. કપાસના પાકમાં ગંઠવા કૃમિના અસરકારક નિયંત્રણ માટે જૈવિક કૃમિનાશક પેસીલોમાઇસીસ લીલાસીનસ ૨૫ કિ.ગ્રા./હેકટર (દાણાદાર કે જેમાં પ્રતિ ગ્રામ ૫× ૧૦૮ સ્પોર હોય) + ફેનીમોફોસ (૧ કિ.ગ્રા./હે.) અથવા પેસીલો માઇસીસ લીલાસીનસ (૨૫ કિ.ગ્રા./હે.)+ કાર્બોફયુરાન (૧ કિ.ગ્રા./હે.) ની માવજત અસરકારક જણાયેલ છે.
૧૦.મગફળીના પાકમાં ગંઠવા કૃમિના નિયંત્રણ માટે કેરીયર સાથે ભૂકારૂપ પેસીલોમાઇસીસ લીલીસીનસ (૧૦૯ કનીડીયા/ગ્રામ) પ્રતિ હકટરે ૫૦ કિ.ગ્રા. પ્રમાણે આપવાથી કાર્બોફયુરાન (૧ કિ.ગ્રા./હે.) દાણાદાર સમકક્ષ અસરકારક જણાયેલ છે.
૧૧.મગફળીના થડના સડાના નિયંત્રણ માટે વાવેતર સમયે ટ્રાઇકોડર્મા હરજીએનમનું ૧૪૮ લિટર દ્વાવણ (કે જેમાં ૧.૩૮ × ૧૦૯ બિજાણું /મિ.લિ.) ૩૭૦ કિ.ગ્રા./ ઘંઉના ભૂસામાં ભેળવી હેકટર દીઠ છાસમાં આપવું.
૧૨.દક્ષિણ ગુજરાત વિસ્તારમાં તુવેરના પાકમાં સુકારાના રોગના નિયંત્રણ માટે સારીરીતે કોહવાયેલ છાણિયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાઇકોડર્મા હરજીએનમને એક મીટર છાસ દીઠ ૨૦૦ ગ્રામ પ્રમાણે આપવાની ભલામણ છે.
૧૩.મધ્ય ગુજરાતમાં મકાઇના પાકમાં પાછોતરો સુકારો અને કૃમિના નિયંત્રણ માટે કૃમિના નિયંત્રણ માટે પાકની વાવણીના ૧૫ દિવસ પહેલા ખુલ્લા ચાસમાં દિવેલી અથવા લીંબોળીનો ખોળ ૨૫૦ કિ.ગ્રા./હે પ્રમાણે આપવાની અને બીજને પહેલા ટ્રાઇકોડર્મા હર્જીયાનમ (૨×૧૦૮ સીએફ્યુ/ગ્રામ) ૧ કિ.ગ્રા. બીજ દિઠ ૪ ગ્રામ પ્રમાણે બિયારણને પટ આપી વાવણી કરવાની ભલામણ છે.
૧૪.તુવેર ઉગાડતા ખેડૂતોને સીસ્ટ કૃમિના નિયંત્રણ માટે વાવણી સમયે ચાસમાં ટાલ્ક આધારિત
ટ્રાયકોડર્મા હર્જીયાનમ (૧૦૮ સ્પોર/ગ્રામ) ૫ કિ.ગ્રા./હે +પોચોનીયા કલેમાયડોસ્પોરીયા (૧૦૮ સ્પોર/ગ્રામ) ૨૦ કિ.ગ્રા./હે આપવાની સલાહ આપવામાં આવે છે.
૧૫.દાડમ ઉગડતા ખેડૂતોને ગંઠવા કૃમિના નિયંત્રણ માટે ટાલ્ક આધારિત પોચોનીયા કલેમાયડોસ્પોરીયા (૧૦૮ સ્પોર/ગ્રામ) અથવા પેસીલોમાયસીસ લીલાસીનસ (૧૦૮ સ્પોર/ગ્રામ) પ્રતિ ઝાડ દીઠ ૧૦૦ ગ્રામ + રાયડાનો ખોળ પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષે અનુક્રમે ૧.૫, ૨.૦ અને ૨.૨૫ કિ.ગ્રા./ ઝાડ બે વખત (પ્રથમ હપ્તો નવેમ્બરમાં અને બીજો હપ્તો એપ્રિલમાં) આપવાની સલાહ આપવામાં આવે છે.
૧૬.ચણાના પાકમાં સુકારા રોગના નિયંત્રણ માટે વાવણી વખતે ટ્રાયકોડર્મા વીરીડી (૧૦૬ સીએફયુ/ ગ્રામ) ૨.૫ કિલો+ ૨૫૦ કિલો દિવેલીનો ખોળ અથવા છાણિયું ખાતર મીશ્ર કરી છાસમાં આપવાની ભલામણ કરવામાં આવે છે.
૧૭.મગફળીના પાકમાં ગંઠવા કૃમિના અસરકારક નિયંત્રણ માટે ટાલ્ક આધારિત પેસીલોમાયસીસ લીલાસીનસ (૧×૧૦૬ સીએફયુ/ ગ્રામ) ૧૦ ગ્રામ/ કિ.ગ્રા. બીજ માવજત તરીકે અથવા ૨.૫ કિ.ગ્રા./હે. જમીનમાં આપવાની ભલામણ કરવામાં આવે છે.
૧૮.કેળમાં પાનના ટપકાં અને પાનના સુકારા રોગના નિયંત્રણ માટેના નીચે મુજબના પગલા લેવાની ભલામણ કરવામાં આવે છે.
• કંદને ટ્રાયકોડર્મા વીરીડી (૧૦૭ સીએફયું/ ગ્રામ) ૧૦ગ્રામ/ વિટરના દ્રાવણમાં ૩૦ મિનિટ માવજત આપી રોપણી કરવી.
• ટ્રાયકોડર્મા વીરીડી ૫૦ ગ્રામ/ છોડ + સ્યુડોમોનોસ ફલુરોસન્સ (૧૦૮ સીએફયુ/ ગ્રામ) ૧૫ મિલિ./છોડ + પેસીલોમાયસીસ લીલાસીનસ (૧૦૭ સીએફયુ/ ગ્રામ) ૧૦ગ્રામ / છોડ પ્રમાણે વાવણી વખતે આપવું.
• વાવેતરના આઠમા મહીને સ્યુડોમોનાસ ફલુરોસન્સ ૫ મિ.લિ./ લિટર અને નવમાં અને દસમાં મહીને પ્રોપીકોનાઝોલ ૦.૦૨૫%નો છંટકાવ કરવો.

Visitor Hit Counter