amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

rose-flower vavetar Amrutkamal  ગુલાબના વાવેતર અને રોગો વિશે માહિતી

rose-flower vavetar Amrutkamal ગુલાબ : વાવેતર વિશે માહિતી
 • ગુલાબ એ ગ્રીક માન્યતા પ્રમાણે પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતિક છે. ગુલાબ આજે વિશ્વમાં પ્રથમ નંબરનું લોકપ્રિય ફૂલ છે. સેંકડો વર્ષોના કુદરતી સંકરણ અને મ્યુટેશન દ્વારા આજે ગાઢા ભુરાં અને ગાઢા કાળા રંગ સિવાયના બધા જ રંગોના ગુલાબના ફૂલો જોવા મળે છે. તેના ફૂલનો ઉપયોગ મુખ્યત્વે પૂજા-પાઠ, હાર બનાવવા, શણગાર તથા ફૂલોની હેરો બનાવવા, કલગી/બુકે વગેરે બનાવવા માટે થાય છે. ગુલાબની પાંદડીઓમાંથી ગુલાબ અત્તર, ગુલાબજળ, ગુલકંદ વગેરે બનાવી શકાય છે.
  શીત કટિબંધમાં ગુલાબ વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને ત્યાં તે સુષુપ્ત અવસ્થામાં આરામ પણ મેળવી શકે છે પરંતુ આ પ્રકારનું હવામાન આપણે ત્યાં મળતું નહીં હોવાથી આપણે ત્યાં તેની છાંટણી કરવી પડે છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નવસારી, સુરત અને વલસાડ જિલ્લાઓમાં લગભગ 3૯૭૮ હેકટર જેટલા વિસ્તારમાં દેશી ગુલાબની ખેતી વ્યાપારિક ધોરણે થાય છે, જેનો વાવેતર વિસ્તાર આણંદ જિલ્લાના ફકત કુંજરાવ ગામમાં આશરે ૧૫૦ થી ર00 વિઘા જેટલો થાય છે, જે દેશી ગુલાબનો મુખ્ય પોકેટ વિસ્તાર ગણાય છે. ત્યાંના ખેડૂતો મધ્યરાત્રિએ ચાર્જેબલ બેટરી દ્વારા ગુલાબની ખીલતી કળીઓ ઉતારીને વહેલી સવારે એક જગ્યાએ એકત્ર કરીને સામૂહિક વેચાણ અર્થે ટેમ્પા દ્વારા અમદાવાદ ખાતેના સરદાર માર્કેટ પાસેના ફૂલબજારમાં આખા વર્ષ દરમ્યાન ઓછાવત્તા પ્રમાણમાં વેચાણ અર્થે મોકલે છે અને સારી એવી આવક મેળવે છે.

  આબોહવા
  દેશી ગુલાબના પાકને ઠંડુ અને સુકું હવામાન વધુ માફક આવે છે. તેના છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળવો આવશ્યક છે. જો કે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં પણ તેનો ઉછેર કરી શકાય છે, પરંતુ આવા વાતાવરણમાં રોગ-જીવાતનું પ્રમાણ સૂકાં વિસ્તાર કરતાં વિશેષ રહે છે. દિવસ દરમ્યાન ૬ થી ૮ કલાક સૂર્યપ્રકાશ મળી રહે તો છોડની વૃધ્ધિ સારી થાય છે.છાંયો તથા ભારે પવન અનુકૂળ આવતાં નથી.

  જમીન
  ગુલાબના છોડને મોટાભાગે દરેક પ્રકારની જમીન માફક આવે છે પરંતુ ગોરાડું, મધ્યમ કાળી, ફળદ્રુપ અને સારી નિતારશકિત ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. જો જમીન રેતાળ હોય તો જમીનમાં સેન્દ્રિય ખાતરો વધુ પ્રમાણમાં ઉમેરવા. ગુલાબના છોડને ખારાશવાળી જમીન અનુકૂળ આવતી નથી. ભારે કાળી જમીનમાં સેન્દ્રિય ખાતરો ઉમેરીને નિતારશકિત સુધારીને ઉપયોગ થઈ શકે છે.

  સ્થળની પસંદગી
  ગુલાબની ખેતી માટે જયાં વધુ પ્રમાણમાં સૂર્યપ્રકાશ આવતો હોય તેવી જમીનનું સ્થળ પસંદ કરવું. આ ઉપરાંત વૃક્ષો, વાડ કે દિવાલથી દૂર અને દિવસ દરમ્યાન ઓછામાં ઓછો ૬ કલાક સૂર્યનો તડકો મળી રહે તેવી જમીનનું સ્થળ પસંદ કરવાથી સારી ગુણવત્તાવાળા ફૂલો વધુ પ્રમાણમાં મળી રહે છે. છોડની રોપણી માટે ખાડા તૈયાર કરવા ગુલાબને વધુ સૂર્યપ્રકાશ જરૂરી હોવાથી ખુલ્લી જગ્યા પસંદ કરવી જોઈએ. દેશી ગુલાબના છોડ રોપવા માટે ઉનાળામાં ૬0 સે.મી. x ૬0 સે.મી. x ૬0 સે.મી. માપના ખાડા ખેતરમાં ખોદવા તેમજ તે ખોદેલ ખાડાની માટીને ૧૫ થી ૨૦ દિવસ સુધી સૂર્યના તડકામાં તપવા દેવા. ખોદેલ માટીમાં જૂન-જુલાઈ માસમાં ૮ થી ૧૦ કિ.ગ્રા. સારૂ કોહવાયેલુ છાણીયું ખાતર અથવા ર00 ગ્રામ દિવેલીનો ખોળ ભેળવવો.

  પ્રસર્જન
  દેશી ગુલાબનું સંવર્ધન કટકા કલમ અને ગુટી કલમથી કરવામાં આવે છે. આ પધ્ધતિ સરળ અને સસ્તી છે.

  રોપણી સમય અને રોપણી અંતર
  ગુજરાતમાં દેશી ગુલાબની રોપણી માટે જૂન-જુલાઈ માસ વધુ અનુકૂળ છે. ભારે વરસાદ પડી ગયા બાદ છોડની રોપણી કરવી જોઈએ. જો વધુ ભારે વરસાદ ચાલુ રહેતો હોય તો સપ્ટેમ્બર થી નવેમ્બર માસ સુધી રોપણી કરી શકાય છે. પરંતુ ચોમાસામાં કરેલ રોપણીની સરખામણીમાં ફૂલો પ્રથમ વર્ષે ઓછા ઉતરે છે. ગુજરાતમાં દેશી ગુલાબનું વાવેતર ૯0 સે.મી. × ૯૦ સે.મી. અથવા ૧૫૦ .મી. × ૯0 સે.મી.ના અંતરે કરવામાં આવે છે. ગુલાબનું વાવેતર પહોળા અંતરે કરવાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી મળતી હોવાથી ફૂલોનું ઉત્પાદન ઓછું મળે છે. છોડની રોપણી માટે અગાઉથી તૈયાર કરેલ ખાડાની મધ્યમાં દેશી ગુલાબની કલમો રોપવી જેના માટે પ્લાસ્ટિક બેગ જેટલી જગ્યાનો ખાડો કરવો અને ત્યારબાદ મૂળને ઈજા ન થાય તે પ્રમાણે કાળજીપૂર્વક પ્લાસ્ટિક બેગ કાપીને માટીનો પિંડ તૂટે નહિ તે પ્રમાણે છોડને ખાડામાં રોપવો અને ખાડામાં માટી નાખીને બરાબર દબાવવી અને તરત જ પાણી આપવું. જરૂરી જણાય તો છોડને ટેકો આપવા જોઈએ.

  ખાતર
  દેશી ગુલાબના છોડનું વધુ ઉત્પાદન મેળવવા તેમજ સારી ગુણવત્તાવાળા ફૂલો મેળવવા માટે છોડની રોપણી બાદ વર્ષમાં ત્રણ વખત સપ્રમાણ (જૂન, ઓકટોબર અને જાન્યુઆરી)માં ખાતરો આપવા જોઈએ. જેમાં દર વર્ષે છોડ દીઠ 3 થી ૪ કિ.ગ્રા. છાણીયું ખાતર જમીનમાં આપવું. આણંદ ખાતે થયેલ ભલામણ મુજબ ત્રણ વર્ષ કે તેથી વધુ ઉંમરના દેશી લાલ ગુલાબ પાકને છોડ દીઠ ૧ મી.લી. એઝોસ્પિરીલમ તથા ૧ મી.લી. પી.એસ.બી. ર00 મી.લી. પાણીમાં મિશ્રણ કરીને ત્રણ સરખા ભાગે જમીનમાં આપવાથી ફૂલોનું વધુ ઉત્પાદન મળે છે. લીલા પડવાશ તરીકે શણ અથવા ઇક્કડનું વાવેતર કરવું.

  છાંટણી
  દેશી ગુલાબમાં છાંટણી એક વર્ષ કે વધુ ઉંમરના જૂના છોડની કરવામાં આવે છે. ગુજરાતમાં ઓકટોબર માસનું બીજુ પખવાડીયુ છાંટણી માટે વધુ અનુકૂળ છે. એક વર્ષ જૂની સારી ડાળીઓને ૪ થી ૬ સારી આંખો રાખીને છાંટણી કરવી. સામાન્ય રીતે છાંટણી જમીનની સપાટીથી ૪૫ થી ૬0 સે.મી. ઉંચાઈએ કરવી. છાંટણી કર્યા બાદ ૪૫ થી ૫૦ દિવસે છોડ ઉપર ફૂલ આવવાની શરૂઆત થાય છે. વારંવાર છાંટણી કરવાથી છોડ નબળો પડે છે.

  પિયત
  દેશી ગુલાબને પાણીની જરૂરિયાત ઋતુ અને જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. ખેતરમાં નવી રોપેલ કલમછોડને શરૂઆતમાં એક અઠવાડીયા સુધી દરરોજ ભેજ જળવાઈ રહે તેટલું પાણી આપવું. ત્યારબાદ શિયાળામાં ૮ થી ૧0 અને ઉનાળામાં ૪ થી પ દિવસે પિયત આપવું અને ચોમાસામાં જરૂર જણાય તો જ પાણી આપવું. શકય હોય તો ટપક સિંચાઈ પધ્ધતિ (ડ્રિપ ઈરિગેશન)નો ઉપયોગ કરવો જોઈએ.

  નિંદામણ અને આંતરખેડ
  પિયત આપ્યા બાદ વરાપ થયા પછી જરૂર મુજબ કરબડી અથવા કોદાળી વડે ગોડ કરવો. છોડના થડની વધુ નજીક બહુ ઉડેથી ગોડ કરવો નહીં. ગુલાબમાં નિયમિત છોડના ખામણાંમાં ઉગેલુ નીંદણ તથા નવા પીલા દૂર કરતાં રહેવુ. ગુલાબના પાકમાં નીંદણ નહિવત્ હોય છે જેથી દાતરડી કે ખુરપી વડે ઘાસ કાઢતાં રહેવું.

  અન્ય કાળજી
  દેશી ગુલાબના પાકમાં ઉનાળાની ઋતુમાં માર્ચ-એપ્રિલ માસમાં ફૂલો ઉતારી લીધા પછી આંબા કે આસોપાલવના સૂકાં પાંદડા અથવા ડાંગરના ફોતરાંનું આચ્છાદન છોડની આજુબાજુ પાથરવાથી ભેજનો સંગ્રહ થાય છે તેમજ નીંદણની વૃધ્ધિ અટકાવી શકાય છે. આણંદ ખાતે થયેલ સંશોધન મુજબ દેશી ગુલાબના પાકમાં ઉનાળાની ઋતુમાં (માર્ચ-મે) ડાંગરના ફોતરાનું આચ્છાદન છોડની આજુબાજુ ૫ સે.મી. જાડાઈનો થર કરવાથી ફૂલોનું વધુ ઉત્પાદન મળે છે. ગુલાબના છોડ ઉપરથી સૂકાયેલ, રોગ કે જીવાતથી નુકશાન પામેલી આડી-અવળી ફેલાતી ડાળીઓ કે નડતરરૂપ ડાળીઓને દૂર કરવી જોઈએ.

  ફૂલો ઉતારવા ફૂલોની વિણી
  સામાન્ય રીતે દેશી ગુલાબના ફૂલોની વીણી હંમેશા વહેલી સવારે સૂર્ય ઉગતા પહેલાં અથવા સાંજના સમયે સાધારણ ખીલેલા અથવા તરત જ ખીલવાની તૈયારીવાળા ફૂલો ઉતારવા જોઈએ અને ફૂલોને ઉતાર્યા બાદ તરત જ વાંસના ટોપલામાં કે ભીના કંતાનમાં કે કપડામાં બાંધી બજારમાં વેચાણ માટે મોકલવા જોઈએ.

  ફૂલોનું ઉત્પાદન
  દેશી ગુલાબના ૨ થી ૩ વર્ષના છોડનું ફૂલોનું અંદાજીત ઉત્પાદન ૮ થી ૧0 ટન પ્રતિ હેકટર મળે છે.

  પાક સંરક્ષણ
  દેશી ગુલાબના છોડ ઉપર મુખ્ય જીવાતોમાં મોલો-મશી, થ્રિપ્સ, તડતડિયાં, ભીંગડાવાળી જીવાત, માઈટસ જેવી ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે ખેતરમાં રહેલ વધારાનો કચરો દૂર કરી ખેતર સાફ રાખવું. શેઢા-પાળા ચોખા રાખવા તથા લીમડાના અર્કમાંથી બનાવેલ દવા ૫% નો છંટકાવ કરવો. બીવેરિયા ૭૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. રોગોમાં ડાયબેક, છારો, પાન ઉપર ટપકાં પડવાં વગેરે જોવા મળે છે. જેના નિયંત્રણ માટે અમૃતકમલ એગ્રો પ્રા.લિ.નું મૂલરક્ષક-૧ નંબર જમીનમાં આપવું. તેમજ ત્યારબાદ જીવાત/ઇયળના નિયંત્રણ માટે મૂલરક્ષક-૩, ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ભેજ હોય ત્યારે છંટકાવ કરવો.

  ચૂસક પ્રકારની જીવાતોનું સંકલિત નિયંત્રણ
  (૧) ખેતરમાં રોગગ્રસ્ત છોડને ઉપાડી અને ત્યારબાદ બાળીને નાશ કરવો.
  (૨) ધાન્ય વર્ગના પાકો સાથે ફેર રોપણી કરવી.
  (૩) જયાં પાણી ભરાઇ રહેતું હોય તેવા નીચાણવાળા વિસ્તારમાં આ જીવાતનો ઉપદ્ધવ વધુ જોવા મળે છે. એટલે નિચાણવાળા વિસ્તારમાં પાક લવો જોઇએ નહી તથા વધારાના પાણીનો નિકાલ કરવો. પિયત ભલામણ મુજબ આપવું.
  (૪) સેન્દ્ધીય ખાતરનો બને તેટલો વધારે ઉપયોગ કરવો.
  (૫) લાલ દાળિયા (લેડી બર્ડ બીટલ )ના પુખ્ત અને ઇયળ બંને અવસ્થા જીવનકાળ દરમ્યાન ૫૦૦ થી ૬૦૦ મોલોનું ભક્ષણ કરે છે. જયારે લીલીફૂદડી (ક્રાયસોપા)ની ઇયળ અવસ્થા ૨૦૦ થી ૨૫૦ મોલોનું ભક્ષણ કરે છે.
  (૬) પરભક્ષી થ્રિપ્સ જેવી કે સ્કોલોથ્રિપ્સ ઇન્ડિકસ ફ્રન્કોથ્રિપ્સ મેગાલોપ મરચીમાં આવતી થ્રિપ્સ જીઓકોરીસ અને ઓરીયસનું ભક્ષણ કરી જૈવિક નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે,
  (૭) લીમડાનો અર્ક અથવા લીંબોડીની મીંજનું દ્ધાવણ કરી છોડ પર છંટકાવ કરવો.

call now Amrutkamal
Send Whatsapp Message